Main Menu

એક તરફ ભાવનગરથી વેરાવળના નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે ત્યારે રાજુલામા ચારનાળાથી હિડોરણા સુધીનો રસ્તો એકદમ ભંગાર હાલતમા હોય વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.

બિસ્માર રસ્તાના રીપેરીંગ માટે સાડા ત્રણ કરોડની ગ્રાંટ આવી હતી તે કયાં વપરાઇ તેવો સવાલ પણ હવે ઉઠવા પામ્યો છે. કારણ કે રસ્તાની મરામતના નામે કશુ થઇ રહ્યું નથી.

રાજુલા પંથકમા દરિયાકાંઠાના માર્ગોની હાલત લાંબા સમયથી ખરાબ છે. તેમા પણ હિડોરણાથી ચારનાળા અને વિકટર સુધીનો હાઇવે તદન ભંગાર હાલતમા છે. ચારનાળાથી વિકટર સુધીના રોડનુ કામ જે કંપનીને આપવામા આવ્યું છે તેના દ્વારા રસ્તાની મરામતની કોઇ દરકાર લેવામા આવી રહી નથી. અહી નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે. પરંતુ આ નેશનલ હાઇવે ન બને ત્યાં સુધી રસ્તાની મરામત માટે સાડા ત્રણ કરોડની રકમ ફાળવવામા આવી છે. પરંતુ આ રકમમાથી નામ માત્રનુ કામ થયુ છે. છેલ્લા ચાર મહિનાથી અહી રસ્તાનુ રીપેરીંગ જ કરવામા આવ્યું નથી. જેના કારણે માત્ર રાહદારીઓ જ નહી વાહન ચાલકો સહિત સૌ કોઇ અગવડતા ભોગવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર અગાઉ ડાયવર્ઝન બનાવાયેલુ ન હોવાથી અકસ્માતમા નવ વ્યકિતના મોત થયા હતા. જેના કારણે આ પેઢીના મેનેજરને જેલમા જવુ પડયુ હતુ.

રીપોટર.. સિધ્ધરાજસિહ રાણા રાજુલા