Main Menu

રંડોળા ગામે બેવડી હત્યા કરનારા પાલિતાણાના ચાર શખસને પોલીસે દબોચી લીધા

પાલિતાણા તાલુકાના રંડોળા ગામે પાંચ દિવસ પૂર્વે વાડી વિસ્તારના મકાનમાં નિંદ્રાધીન વૃધ્ધ દંપતિની તિક્ષ્ણ હથીયાર અને બોથડ પદાર્થના ઘા મારી કરપીણ હત્યા કરી શખસો નાસી છુટતા ભારે અરેરાટી મચી જવા પામી હતી.

પાલિતાણાના રંડોળા ગામે વૃધ્ધ દંપતીની હત્યા કરી લૂંટ ચલાવાઇ હતી

હાલ સાસરીમાં રંડોળા રહેતા શખસની ટીપના આધારે શખસોએ ખૂની ખેલ ખેલ્યો હતો: સોનાનું ચકદુ કબજે લેવાયું

ઉક્ત મામલે પોલીસે અજાણ્યા શખસો વિરૂધ્ધ હત્યાની કલમ તળે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ગત રાત્રીના સુમારે પાલિતાણા રૂરલ પોલીસે મઢડા રોડ પરથી પાલિતાણા ભીલવાસના ૪ શખસોને દબોચી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

થોડા દિવસ પૂર્વે માત્ર લૂંટના ઇરાદે ધસી આવેલા શખસોએ વાડી વિસ્તારના મકાનમાં નિંદ્રાધીન વૃધ્ધ દંપતિની કરપીણ હત્યા કરી નાખી લૂંટ ચલાવતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. ઉક્ત ઘટનાની જાણવા મળતી ભીતરી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધ કરશનભાઈ રાઘવભાઈ મકવાણા (ઉ.વ.૭૫) અને તેમના પત્ની વિજુબેન કરશનભાઈ મકવાણા (ઉ.વ.૭૦) ગત મોડી રાત્રીના સુમારે તેઓના વાડીના મકાનમાં નિદ્રાધીન હતા તે વેળાએ અજાણ્યા શખસોએ થાંભલા વાટે દિવાલ ટપી કરશનભાઈના મકાનમાં પ્રવેશ કરી કરશનભાઈ અને તેમના પત્ની વીજુબેનને ખાટલા સાથે બાંધી દઈ મોડા પર કપડા બાંધી હાથપગ બાંધી દીધા હતા. બાદ બંનેને તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થના ઘા મારી કરપીણ હત્યા કરી નાખી મકાનમાંથી દરદાગીનાની લૂંટ ચલાવી શખસો ફરાર બન્યા હતા.

વ્હેલી સવારે ઘટના બહાર આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા. તેમજ  રક્તરંજીત ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ધસી ગયો હતો

ઉક્ત બનાવ અનુસંધાને રંડોળા ગામે સીમમાં રહેતા દેવશીભાઈ પરસોતમભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૨, તેમજ ૧૩૫ તળે ગુનો દાખલ કર્યો હતો.

બેવડી હત્યાના મામલે પાલિતાણા રૂરલ પો.સ્ટે.ના પી.એસ.આઇ. જાડેજા સહિતનો સ્ટાફ ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતો તે વેળાએ મળેલી પૂર્વ બાતમી આધારે મઢડા જવાના રોડ પરથી વિનોદ ઉર્ફે પોયકો બાબુભાઇ સોલંકી (ઉ.વ.૨૮, રે.હાલ રંડોળા, મુળ ભીલવાસ, ગરાજીયા રોડ, પાલિતાણા), હરેશ ભુપતભાઇ વાઘેલા (ઉ.વ.૧૮), મુકેશ ઉર્ફે મુકો પાકુભાઇ વાઘેલા (ઉ.વ.૨૭), મોહન પાકુભાઇ વાઘેલા (ઉ.વ.૩૨, રે.ત્રણેય ગરાજીયા રોડ, ભીલવાસ પાલિતાણા)ને ઝડપી લઇ પુછપરછ કરતા ઉક્ત શખસોએ લૂંટના ઇરાદે હત્યા કર્યાની તેમજ હાલ સાસરીમાં રહેતા વિનોદ ઉર્ફે પાયકાને વાડી વિસ્તારમાં વૃધ્ધ દંપતિ એકલુ રહેતુ હોવાનો ખ્યાલ હોય જેની ટીપ આધારે શખસોએ ધસી જઇ રક્તરંજીત ઘટનાને અંજામ આપ્યાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. દરમિયાન પોલીસે તમામ શખસોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે…..