મુંબઈના સૌથી વધુ ખ્યાતિ ધરાવતા સાર્વજનિક ગણપતિ, લાલબાગચા રાજાને તેમના મંડપથી ગિરગાંવ ચોપાટી સુધીની યાત્રા પૂર્ણ કરવામાં 20 કલાક લાગે છે. જોકે આ અંતર ફક્ત આઠ કિલોમીટરનું જ છે. 8 કિલોમીટરનું અંતર કાપતા 20 કલાક લાગવા પાછળ કેટલીક પરંપરાઓ પણ છે.
જ્યારે લાલબાગચા રાજાની ભવ્ય મૂર્તિ તેમના મંડપમાંથી બહાર આવે છે, ત્યારે તેને રસ્તાની બાજુમાં આવેલા મુખ્ય દરવાજા પર લોકનૃત્ય, ગીતો અને લગભગ 2 કલાક સુધી ગુલાલની વર્ષા વચ્ચે વિદાય આપવામાં આવે છે.વિસર્જનની પરંપરા અનુસાર, લાલબાગચા રાજાને પંડાલમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં, તેની બાજૂના મંડપના ગણેશ, જેને ગણેશ ગલીના ગણપતિ કહેવામાં આવે છે, તે પહેલા બહાર આવે છે. એવું માનવામાં આવે છે કે, ગણેશ ગલીના ગણપતિએ લાલબાગચા રાજાના માછીમારોની એક ઇચ્છા પૂર્ણ કરી હતી અને આ પછી લાલબાગચા રાજાનો ગણેશ ઉત્સવ શરૂ થયો. તેથી, આ બંને પંડાલો વચ્ચે એક ખાસ સંબંધ છે.
વિશાળ પંડાલમાંથી બહાર આવ્યા પછી, લાલબાગચા રાજા ત્રણથી ચાર કલાક સુધી એના એ જ વિસ્તારમાં ફરતા રહે છે. આ પછી, તેઓ ભાયખલા થઈને ગિરગાંવ ચોપાટી તરફ આગળ વધે છે. ગણેશ ભક્તો આખી રાત વિવિધ સ્થળોએ લાલબાગચા રાજાના આગમનની રાહ જુએ છે. ઘણી જગ્યાએ, લાલબાગના રાજાનું ફૂલોની મોટી માળાથી સ્વાગત કરવામાં આવે છે.
લાલબાગચા રાજા સાથે સંબંધિત એક રસપ્રદ પરંપરા એ છે કે, તેમનું અને તેમના ભક્તોનું વિસર્જન માર્ગ ઉપર બે જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે. જ્યારે લાલબાગચા રાજા ભાયખલા સ્ટેશન નજીક હિન્દુસ્તાની મસ્જિદ પાસે પહોંચે છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા મીઠાઈ વહેંચવામાં આવે છે. આ પછી, જ્યારે લાલબાગચા રાજાની સવારી મુસ્લિમ બહુમતી ધરાવતા દો ટાંકી વિસ્તારમાં પહોંચે છે, ત્યારે મુસ્લિમ સમુદાય ગણેશ ભક્તોને શાહી શરબત પીરસે છે.
જ્યારે લાલબાગના રાજા હિન્દુસ્તાની મસ્જિદથી આગળ વિસર્જન માર્ગ પર વધે છે, ત્યારે બીજી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. જ્યારે લાલબાગચા રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી પસાર થાય છે, ત્યારે ત્યાં ઉભેલા તમામ ફાયર એન્જિનની સાયરન વાગવા લાગે છે અને લાલબાગચા રાજાને સલામી આપવા માટે ફાયર ફાઈટરની લાઇટ પ્રગટાવવામાં આવે છે. લાલબાગના રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી જ્યા સુધી પસાર ના થાય ત્યાં સુધી આ સાયરન વગાડવામાં આવે છે અને ફાયર ફાઈટરના વાહનોની લાઇટ ચાલુ રહે છે.