*|| તાલાલા તાલુકા પંચાયતની કામગીરીમાં ગતિ લાવવા ખાલી પડેલ ૩૬ જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ કરો ||*
તાલાલા પંથકમાં મંજૂર થયેલ ૪૭૫ સર્વાંગી વિકાસના કામો પૈકી ૨૫૨ કામો સ્ટાફના અભાવે શરૂ થઈ શકયા નથી
તાલાલા પંથકમાં લોક કલ્યાણની કામગીરીને વેગ આપવા ૧૦૦ ટકા મહેકમ ભરતી કરવા તાલુકા પંચાયતની સામાન્ય સભાએ માંગણી કરી
તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ શ્રી રામશીભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં મળી હતી,આ સભામાં તાલુકા પંચાયતમાં સ્ટાફના અભાવે લોક કલ્યાણની ઠપ્પ થયેલ સાર્વજનિક વિકાસની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી તાલાલા પંથકના ૪૫ ગામના વિકાસ માટે તાલુકા પંચાયતની ખાલી પડેલ ૩૬ જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ કરવા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી ને વિનંતી કરતો ઠરાવ કરવામાં આવેલ.
ઠરાવ માં જણાવેલ વિગત પ્રમાણે તાલુકા પંચાયતમાં કુલ ૭૩ કર્મચારીઓ નું મંજુર થયેલ સેટ અપ છે,જે પૈકી ૧૯ તલાટી કમ મંત્રી સહિત કુલ ૩૬ જગ્યા ખાલી છે,પરીણામે તાલુકા પંચાયત માં પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે,જેની વિગતો સાથે ઠરાવમાં ઉમેર્યું છે કે તાલાલા પંથકના વિવિધ ગામોમાં પીવાના પાણી,ગટર,રસ્તા,શૌચાલય અને પેવર બ્લોક સહિતની લોક ઉપયોગી ૪૭૫ વિકાસના કામો મંજુર થયા છે,જે પૈકી ૧૫૩ કામો પૂર્ણ થયેલ છે,૭૦ કામો પ્રગતિમાં છે,૨૫૨ કામો આજ સુધી શરૂ થઈ શક્યા નથી,આમ તાલુકા પંચાયતમાં સ્ટાફના અભાવે સરકારે ગ્રાન્ટ ફાળવી હોવા છતાં છતે રૂપિયાએ લોક કલ્યાણની વિકાસની કામગીરી ઠપ થઈ ગઈ હોય,તાલાલા પંથકની ગ્રામીણ પ્રજાને પૂરો ન્યાય મળતો નથી.
આ ઉપરાંત સ્ટાફના અભાવે ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની રોજિંદી વહીવટી કામગીરી પણ સમયસર થઈ શકતી નથી માટે તાલાલા તાલુકા પંચાયતમાં અપૂરતા મહેકમના કારણે આખો પંથક વિકાસથી વંચિત હોય,તાલાલા તાલુકા પંચાયતમાં તુરંત ઘટતા સ્ટાફનું પોસ્ટિંગ કરી તાલાલા તાલુકાને યોગ્ય ન્યાય આપવા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
આ સાધારણ સભામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિકભાઇ પરમાર તથા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,સભાનુ સંચાલન શ્રી ચિરાગભાઈ પુરોહિતે કર્યું હતું.
રીપોર્ટ: કાજલ ભટ્ટ દ્વારા તાલાલા ગીર