તાજેતરમાં સૈનિક સ્કૂલ સોસાયટી, સંરક્ષણ મંત્રાલય ભારત સરકારના નિરીક્ષણ અધિકારી બ્રિગેડિયર (ડૉ) પ્રવીણ કુમાર શર્માએ જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી હતી. મુખ્ય મહેમાનનું કેડેટ વેદાંત અને કેડેટ ધ્વની દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુખ્ય મહેમાનનો ટૂંકો પરિચય આપ્યો હતો. આ તકે કેડેટ અંકિત અને તેના ગૃપે તેમના હૃદયસ્પર્શી દેશભક્તિ ગીત ‘વંદે માતરમ’ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
સભાને સંબોધતા મુખ્ય અતિથિએ સ્કૂલને સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સૈનિક સ્કૂલના વિદ્યાર્થી હોવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કારણ કે સૈનિક સ્કૂલોમાં આપવામાં આવતી તાલીમ અને શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર સશસ્ત્ર દળોમાં જ નહીં પરંતુ જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ બનવામાં મદદ કરે છે. પોતાના અનુભવો શેર કરતા તેમણે કહ્યું કે સંરક્ષણ યુનિફોર્મ જે સન્માન આપે છે તે ક્યાંય મેળવી શકાતું નથી. તેમણે કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પણ પ્રેરિત કર્યા અને દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દિવસે નિરીક્ષક અધિકારીએ સ્કૂલનું નિરીક્ષણ કર્યું અને તેમને પ્રેઝન્ટેશન દ્વારા સ્કૂલ અને તેની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર ઉપસ્થિત રહ્યા હતા.
અંતે બ્રિગેડિયર (ડૉ) પી.કે.શર્માએ સ્કૂલના પ્રશંસનીય પ્રયાસોની પ્રશંસા કરી અને સૈનિક સ્કૂલ બાલાચડીના સ્ટાફને બિરદાવ્યા.