કાર્યક્રમ અંતર્ગત ૧૮૩૭ યુવાઓને રોજગાર નિમણૂક પત્રો તથા ૧૪૫ યુવાઓને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયાં
યુવાઓને પોતાની લાયકાત તથા કાર્યક્ષમતા અનુસાર રોજગાર મળી રહે તે માટે સરકારે અનેક રોજગાર લક્ષી યોજનાઓ અમલી બનાવી-કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ
જામનગર તા.૨૬ સપ્ટેમ્બર, રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૮૩૭ યુવાનોને રોજગાર નિમણૂક પત્રો તેમજ ૧૪૫ યુવાઓને એપ્રેન્ટિસશિપ કરાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રોજગારવાચ્છુ યુવાઓને પોતાની લાયકાત તથા કાર્યક્ષમતા અનુસાર રોજગાર મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમનો રાજ્યમાં શુભારંભ કરાવેલ.યુવાનો પગભર બને તથા આર્થિક રીતે તેઓની ઉન્નતિ થાય તે માટે સરકાર યુવાઓને વ્યવસાયલક્ષી તાલીમ તેમજ સ્ટાયપેન્ડ સહિતની સુવિધાઓ પુરી પાડે છે અને આગળ જતાં યુવાઓને પોતાનો વ્યવસાય વિકસાવવા લૉન, સબસીડી વગેરે માધ્યમથી યોગ્ય મદદ પુરી પાડે છે.સરકારે વાયબ્રન્ટ ગુજરાત, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરેના માધ્યમથી ઔદ્યોગિક ક્રાંતિ આણી છે.જેના થકી વિપુલ પ્રમાણમાં યુવાઓ માટે રોજગારીની તકો ઉભી થઇ છે.અને તેથી જ ગુજરાત આજે રોજગારી પુરી પાડવામાં સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે.મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત યુવાઓને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ રોજગાર લક્ષી યોજનાઓની માહિતી આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું જ્યારે કાર્યક્રમમાં મહાનુભાવોને રોજગાર અધિકારી શ્રી સાંડપાએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા તેમજ કાર્યક્રમની આભાર વિધિ જામનગર આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી બોચીયાએ કરી હતી.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી જે.એસ.વસોયા. ગુલાબનગર આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી ગાગીયા, લેબર ઓફિસર શ્રી રામી, કોર્પોરેટરશ્રીઓ, નોકરીદાતાઓ, રોજગાર કચેરી, આઈ.ટી.આઈ. તથા મહાનગરપાલિકાનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.