જામનગર તા.૨૭ સપ્ટેમ્બર, પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનો સર્વાંગી તથા સમતોલ વિકાસ થાય તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપી બાળ ઉછેરમાં મદદરૂપ થવાના હેતુસર આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી આંગણવાડીના અભ્યાસ ક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી શીખવા તેમજ શીખવવા માટેના હેતુસર આ ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ.
ભૂલકાં મેળાના હેતુઓ
1. વાલીઓ બાળકના સર્વાંગી વિકાસ માટે ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અંગે માહિતી મેળવે.
2. વાલી ડેવલોપમેન્ટ એસેસમેન્ટથી માહિતગાર થાય અને ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે.
3. આંગણવાડી કાર્યકર ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અને અભ્યાસક્રમ આધારિત શીખવા શીખવવાની સામગ્રી અંગે માહિતી મેળવે અને તેના યોગ્ય ઉપયોગની સમજણ મેળવે.
4. બાળકો મુક્ત આનંદ અને સર્વાંગી વિકાસની વિવિધ પ્રવૃતિઓનો અનુભવ મેળવે.
5. આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય.
ભૂલકાં મેળામાં બાળકો સાથે સામાન્ય વાતચીત, તાલની રમત, અભિનય ગીતો, વાર્તા કથન, પપેટ શો, સર્જનાત્મક પ્રવૃતિ, ગ્રુપ ફોટો સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક બાળક તથા આંગણવાડી કાર્યકરને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરાયુ હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે ભૂલકાં મેળાના માધ્યમથી આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોમાં રહેલ નૈસર્ગિક ક્ષમતા બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમજ બાળકોના વિકાસના તબ્બકા તેમજ થીમ આધારીત અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃતિઓ દ્વારા વાલીઓમાં પણ જાગૃતતા કેળવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનિયારા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસુભાઇ ફાચરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રી હર્ષદિપભાઇ સુતરીયા, શ્રી કરશનભાઇ ડાંગર, શ્રી વિપુલસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ચંદ્રેશ ભાંભી, પ્રોગ્રામ ઓફિસર શ્રી બિનલ સુથાર, સી.ડી.પી.ઓ. સર્વ શ્રી ગીતાબેન મારવાણીયા, નર્મદાબેન થોરીયા, અંજનાબેન ઠુંમર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.