વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ નામંજૂર દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો. જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જે અંગેનો કેસ ચાલી જતાં તેઓની અરજી ફગાવી દીધી છે અને હાઈકોર્ટે ટીકા કરી છે કે, કોર્પોરેશને આ જમીનનો કબજો હજી સુધી લીધો કેમ નથી?
વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ દબાવી લઈ ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા હતા.
તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22 ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2012 ના રોજ વેચાણથી માંગણી કરી હતી. જે અંગે 8 જૂન 2012 ના માત્ર ત્રણ મહિનામાં કોર્પરેશનની સામાન્ય સભામાં ભાજપ–કોંગ્રેસના પણ વિરોધ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.