રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 5 ઇંચ ખાબક્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લખપત બાદ રાપરમાં 4.45 ઇંચ, ગાંધીધામમાં 3.43 ઇંચ, ભચાઉમાં 3.15 ઇંચ, નખત્રાણામાં 2.99 ઇંચ, ભુજમાં 2.64 ઇંચ, અંજારમાં 2.36 ઇંચ, અબડાસામાં 1.5 ઇંચ, માંડવીમાં 1.1 ઇંચ અને મુંદ્રામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને કચ્છના 7 જેટલા રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ભાભરમાં 4.09 ઇંચ, દિયોદરમાં 1.97 ઇંચ, થરાદમાં 1.34 ઇંચ અને વાવમાં 1.26 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદી માહોલને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે નાગરિકોને ડેમ, નદી, નાળા અને જળાશયો જેવા જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી છે. ભુજમાં ધીમી ધારે વરસાદ વચ્ચે જળાશયો અને નાળાના વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંજાર અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર પણ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક લોકોની મદદ માટે ખડે પગે છે.