IND vs PAK Asia Cup 2025: એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, બંને વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાવાની છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચનો બહિષ્કાર કરી શકે છે, પરંતુ ભારત સરકારના નિર્ણય પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. જોકે, ઘણા લોકો આ નિર્ણયની વિરુદ્ધ પણ છે. આ અંગે BCCI સચિવ દેવજીત સૈકિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
એનડીટીવી સાથેની વાતચીતમાં સૈકિયાએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારના રમતગમત વિભાગે ક્રિકેટ કે અન્ય કોઈપણ રમતમાં ભારતીય ટીમની ભાગીદારી અંગે માર્ગદર્શિકા અને નીતિઓ નક્કી કરી છે. નીતિ બનાવતી વખતે મારું માનવું છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે રમતગમત ફેડરેશનોને મદદ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લીધો છે. આ મુજબ અમે કોઈપણ મલ્ટીટીમ ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે નિર્ણય લઈ શકીએ છીએ.”
દેવજીત સૈકિયાએ સમજાવ્યું કે રમતગમતની દુનિયામાં પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કેમ શક્ય નથી. તેમણે કહ્યું કે મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અથવા ICC કડક કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત, તેમને લાગે છે કે આ યુવા ખેલાડીઓના ભવિષ્ય માટે યોગ્ય રહેશે નહીં.