ગીર સોમનાથ જિલ્લા વિસ્તારના ૪૪૫ ખેડૂતોએ ભાગ લીધો:બદલાતા વાતાવરણમાં કેરીનું ઉત્પાદન વધારવા અંગે તજજ્ઞોએ ખેડૂતો સાથે વિચાર ગોષ્ઠિ કરી
બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના તાલાલા ગીરમાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો માં તાલાલા તાલુકા તથા ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારના કેરીના ઉત્પાદક કિસાનો માટે ઉપયોગી તાલીમ શિબિર ગીર સોમનાથ જિલ્લા નાયબ બાગાયત અધિકારી શ્રી એ.એમ.દેત્રોજાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી સતત છ દિવસ ચાલેલ આ તાલીમ શિબિરમાં ૪૪૫ ખેડૂતોએ ભાગ લીધો હતો.
તાલીમ શિબિર દરમ્યાન આંબા પાકની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ,નવીનીકરણ,સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન,સંકલિત પોષણ અને પિયત વ્યવસ્થાપન,આંબા પાક માં મશીનીકરણ જેવા વિષયો ઉપર તજજ્ઞોએ ખેડૂતોને ઉપયોગી વૈજ્ઞાનિક માહિતી આપી હતી,આ ઉપરાંત બદલાતા વાતાવરણમાં કેરીનું ઉત્પાદન કેમ વધારવું..? તે અંગે ખેડૂતો સાથે સઘન ચર્ચા-વિચારણા કરી તજજ્ઞોએ ઉપયોગી વિગતો જણાવી હતી.
આ શિબિરમાં સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર શ્રી વિ.જી.હદવાણી,બાગાયત અધિકારી શ્રી વિજયભાઈ બારડ,મદદનીશ બાગાયત અધિકારી શ્રી ડી.ડી.રાઠોડ અલગ અલગ વિષયો ઉપર કેરીના ઉત્પાદક કિસાનો સાથે ચર્ચાઓ કરી જરૂરી તાલીમ આપી હતી,અંતમાં કિસાનો સાથે વિચાર ગોષ્ઠિ કરી કિસાનો એ રજૂ કરેલ પ્રશ્નોના સંતોષજનક જવાબો નિષ્ણાંતોએ આપ્યા હતા.
રીપોર્ટ: કાજલ ભટ્ટ તાલાલા ગીર