મંત્રીશ્રી એ લમ્પી વાયરસ અસરગ્રસ્ત ગૌધનને આઈસોલેટ, વેકસિનેશન તેમજ ગૌશાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા
ગૌધનની સંભાળ રાખવી સૌ કોઈની ફરજ છે : મંત્રીશ્રી
જામનગર તા.૪ ઓગસ્ટ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે અંતર્ગત જામનગર તાલુકાના વિવિધ ગામડાઓની ગૌશાળાઓ જેમાં ગોકુલપૂરા ગૌશાળા, આલિયા ગામે આવેલ ગૌ શાળા મંડળ ગૌશાળા, બાડા ગામની ગૌશાળા, સુર્યપરા ગામે આવેલ ગૌશાળા તેમજ મોડા ગામની ગૌશાળાની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ ગૌશાળાના માલિકો તેમજ સંચાલકો, પશુપાલકો અને પશુ ડોકટરોને ગૌવંશની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે, પશુધનનું તાકીદે વેક્સિનેશન કરાવવા, ગૌશાળાઓમાં સ્વચ્છતા જાળવવા માટે તેમજ યોગ્ય રીતે દવાઓનો છંટકાવ કરવામાં આવે તે માટે સૂચનો કર્યા હતા. ગૌશાળાની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી એ ગ્રામજનો ને જણાવ્યું હતું કે ગૌધનનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સરકાર દ્વારા લમ્પી વાયરસ નિયંત્રણમાં આવે તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા પણ મહા રસીકરણ ઝુંબેશ હાથ ધરી જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ગૌધનનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરી પશુઓમાં ફેલાયેલો આ રોગ જલદીથી નાબુદ થાય. ઉપરાંત પશુપાલન વિભાગને ગામડાઓમાં પશુ એમ્બ્યુલન્સ મારફતે સારવાર કરવા અને જરૂરી દવાઓનો જથ્થો પૂરો પાડવા જણાવ્યું હતું.
પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસને લઈને થઈ રહેલ અસરકારક કામગીરી બદલ ગ્રામજનોએ મંત્રીશ્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય મુકુંદભાઈ, પશુ દવાખાનાનાં ચિકિત્સકો, સરપંચશ્રીઓ, પશુપાલકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ઉમેશ માણવી