જામનગર તા.૦૪ ઓગસ્ટ, રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્રારા તા.૦૧/૦૮/૨૨ થી તા.૭/૦૮/૨૨ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, રોજગાર કચેરી, આઇ.ટી.આઇ. જનરલ તથા મહિલા આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી જામનગર મહાનગર પાલિકાનાં મેયરશ્રી બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના ઘર, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને તે આજના દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રહેલો છે. જેને ધ્યાનમાં લઇ મહિલાઓ માટે ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ ખાનગી નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોતાના વિચારોને અમલમાં મૂકી પોતાની જાતને અને સમાજને ઉપયોગી થયેલા મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મેયરશ્રી બીનાબેન કોઠારીએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મહિલા સશક્ત છે જ તેઓએ માત્ર આગળ આવવાની જરૂર છે. આપણા દેશના રાષ્ટ્રપતિ પણ મહિલા છે તે જ બતાવે છે કે મહિલા ધારે તે કરી શકે છે. મહિલાઓએ તમામ ક્ષેત્રે તાલીમ અને શિક્ષણ મેળવી આગળ વધવાની જરૂરીયાત છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ મેનેજર શ્રી દર્શિત ભટ્ટ દ્વારા મહિલાઓ માટેની વિવિધ લોન યોજનાની માહિતી આપવામાં આવી હતી. મહિલા ઉધમી શ્રી મધુબેન ચેતરીયા, ડીમ્પલબેન, ભક્તિબેન વગેરેએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. દહેજ પ્રતિબંધ અધિકારીએ મહિલા સ્વાવલંબન યોજના વિશે માહિતગાર કર્યા હતા. રાખડીનુ ઉત્પાદન કરતા શ્રી સ્મિતાબેન દ્વારા ૪૦ બહેનોને તથા નારીગૃહના આશ્રય હેઠળના ૧૨ બહેનોને રાખડી બનાવવા માટે પ્રોત્સાહિત કરી રોજગારી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, આઈ.ટી.આઇ. જામનગરના પ્રિન્સિપાલ બોચિયા, મહિલા આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ વસોયા, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સોનલબેન વર્ણાગર, રોજગાર અધિકારીશ્રી સરોજબેન સાંડપા, શ્રી વીરેન્દ્રસિંહ વાઢેર, મહિલા અને બાળ અધિકારીની કચરી, રોજગાર કચેરી તથા બન્ને આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ, ખાનગી નોકરી દાતાઓ, રોજગાર વાંચ્છું મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ઉમેશ માવાણી