ભોજદે ગીર ગામના મહિલા સરપંચ શ્રી શાંતિબેન જોટવા એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો
તાલાલા તાલુકાના ગીરના જંગલની વચ્ચે આવેલ ભોજદે ગીર ગામમાં અભ્યાસ ની ધો.૮ સુધીની વ્યવસ્થા છે,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ માટે ગામની ૨૫ દિકરીઓ સહિત ૫૦ વિધાર્થીઓએ તાલાલા,ઘુંસિયા,વેરાવળ અભ્યાસ માટે જાય છે,દિકરીઓ સહિત તમામ વિધાર્થીઓ અનુકૂળ એસ.ટી.બસના અભાવે બે કિ.મી.જંગલમાં ચાલીને ભોજદે ગીર ગામના પાટીયે આવવું પડતું હોય વિધાર્થી ભાઈ-બહેનો ત્રાહિમામ થઈ ગયા છે,બાળકોનું ભવિષ્ય ધ્યાને લઈ આ સમસ્યાનું સુખરૂપ નિવારણ લાવવા ગામના મહિલા સરપંચ શ્રી શાંતિબેન જોટવા એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગણી કરી છે.
ગામના ૫૦ વિધાર્થી ભાઈ-બહેનો વતી મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે એસ.ટી.સતાવાળાઓએ વેરાવળ,ભોજદે ગીર નાઈટ માં આવતી એસ.ટી.બસ ઘણાં સમયથી બંધ કરી દેવામાં આવી છે જેથી વહેલી સવારે અભ્યાસમાં જતા વિદ્યાર્થીઓની સુવિધા ઝુંટવાઈ ગઈ,આવી જ રીતે વેરાવળ-ચિત્રોડ ગીર બસ સવારે દશ વાગ્યા આસપાસ ચિત્રોડ ગીર ગામેથી પરત આવતી જેમાં બપોરની પાળીના વિધાર્થીઓ અભ્યાસ માટે જતા હતા,આ બસ પણ બંધ કરી દેતા બપોરની પાળીના વિધાર્થીઓની સુવિધા ખોરવાઈ ગઈ,જેથી ગામના વિધાર્થી ભાઈ-બહેનોને ગામથી બે કિ.મી.ચાલીને ગામના પાટીયા સુધી આવવું પડે છે,તેવી જ રીતે અભ્યાસ કરી બપોરે પરત આવતા વિદ્યાર્થીઓ માટે તાલાલા ગીર થી એસ.ટી.બસ સુવિધા છે,પરંતુ આ બસ કાયમી અનિયમિત અને અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવતી જ નથી,તેવી જ રીતે સાંજે પણ પરત આવવા માટે કોઈ એસ.ટી.વ્યવસ્થા નથી,જેથી ગામના ૫૦ વિધાર્થી ભાઈ-બહેનો ને અભ્યાસ માટે જવા આવવામાં ભારે મુશ્કેલી પડે છે.
ભોજદે ગીર ગામના વિધાર્થી ભાઈ-બહેનો ના ભવિષ્ય સામે પરીવહન ના અભાવે ગંભીર ખતરો ઉભો થયો છે જે ધ્યાને લઇ બાળકોની આ સમસ્યાનું ત્વરિત પરીણામલક્ષી સુખરૂપ નિવારણ લાવવા પત્રના અંતમાં મહીલા સરપંચે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
કાજલ બેન ભટ્ટ – તાલાલા