તાલાલા પંથકના સંયુક્ત સરપંચ મોરચાએ મામલતદાર શ્રી જે.વી.સિંઘવ ને આવેદનપત્ર આપ્યું
તાલાલા પંથકના ૪૪ ગામોમાં માત્ર ૨૦ તલાટી કમ મંત્રી છે તે પણ હડતાલમાં જોડાઈ જતા તમામ ગામોમાં કામગીરી ઠપ્પ
તાલાલા પંથકના ૩૨ ગામનાઆ સરપંચો-ઉપસરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યો આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયા
તાલાલા પંથકમાં તલાટી કમ મંત્રીઓની હડતાલ ને કારણે તમામ ગામોમાં જન્મ-મરણ, આવક અને રહીશો તથા ડોમીસિયલ અને ક્રિમીલેયર ના પ્રમાણપત્રો સહિત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને રોજીંદી કામગીરીમાં ઉપયોગી અગત્યની કામગીરી ઠપ્પ થઈ જતાં ગ્રામીણ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય હડતાલનો તુરંત સુખરૂપ નિવારણ લાવવાની માંગણી સાથે તાલાલા તાલુકા સંયુક્ત સરપંચ મોરચાએ મામલતદાર શ્રી જે.વી.સિંઘવ ને આવેદનપત્ર આપ્યું હતું.
મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોકલેલ આવેદનપત્રમાં ૩૨ ગામના સરપંચો એ જણાવેલ વિગત પ્રમાણે હડતાલ ઉપર ઉતરેલ તલાટી કમ મંત્રીઓની ગ્રેડ-પે તથા તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રી ની કામગીરી નું જોબ ચાર્ટ બનાવવાની મુખ્ય માંગણી છે,કારણકે તલાટી અને રેવન્યુ તલાટી એ કરવાની કામગીરી થી સામાન્ય પ્રજા સંપૂર્ણ અજાણ હોય,તલાટી મંત્રીની કામગીરી અંગે ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોમાં અસંમજસતા પ્રવર્તી હોય આ અંગે ત્વરિત સ્પષ્ટતા કરવી જરૂરી છે,આ ઉપરાંત તાલાલા પંથકના ૪૪ ગામો વચ્ચે માત્ર ૨૦ તલાટી મંત્રીઓ હોય તલાટી મંત્રીઓની અનેક ગામોમાં લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે ફરજ ઉપરના તમામ તલાટી મંત્રીઓ હડતાલ માં જોડાઈ જતા આખાં પંથકમાં ગ્રામીણ પ્રજા ઉપયોગી કામગીરી ઠપ્પ છે,તલાટી મંત્રીઓની સાચી યોગ્ય માંગણીનો ત્વરીત પરીણામલક્ષી યોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી અને હડતાલ ને સંયુક્ત સરપંચ મોરચાના ૩૨ ગામોનાં પદાધિકારીઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
તાલાલા પંથક વતી આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામશીભાઈ પરમાર,સંયુક્ત સરપંચ મોરચાના ઉપરાંત ૩૨ ગામના સરપંચો-ઉપસરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા.
કાજલ બેન ભટ્ટ – તાલાલા