સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા 06 થી 09 સપ્ટેમ્બર 2022 દરમિયાન ‘ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ ઈન્ટર ઝોનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022-23’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેશના વિવિધ ઝોન માંથી પાંચ સૈનિક સ્કૂલો આવી હતી – ઉત્તર ઝોન માંથી સૈનિક સ્કૂલ કુંજપુરા (હરિયાણા), પૂર્વ ઝોન માંથી સૈનિક સ્કૂલ છિંગછિપ (મિઝોરમ), દક્ષિણ ઝોન માંથી સૈનિક સ્કૂલ બીજાપુર (કર્ણાટક), મધ્ય ઝોન માંથી સૈનિક સ્કૂલ રીવા (મધ્યપ્રદેશ) અને પશ્ચિમ ઝોન માંથી સૈનિક સ્કૂલ બાલાચડી (ગુજરાત) એ આ મેગા ઈવેન્ટ માં ભાગ લીધો હતો.
ચેમ્પિયનશિપ ટ્રોફી સૈનિક સ્કૂલ છિંગછિપ (મિઝોરમ)એ જીતી હતી જ્યારે સૈનિક સ્કૂલ બીજાપુર (કર્ણાટક) એ ‘ફેર પ્લે ટ્રોફી’ જીતી હતી. સૈનિક સ્કૂલ રીવા ના કેડેટ આદિત્ય સિંઘને ચેમ્પિયનશિપનો ‘બેસ્ટ પ્લેયર’ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં જામનગરના કલેક્ટર અને ડી.એમ. ડૉ. સૌરભ પારઘી (આઈ.એ.એસ) ઉપસ્થિત રહ્યાં હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહ એક ભવ્ય કાર્યક્રમ હતો જેમાં ભાગ લેતી ટીમો દ્વારા માર્ચ પાસ્ટ અને સ્કૂલના બેન્ડ ડિસ્પ્લે તથા ડિસ્પ્લે ઈવેન્ટ એરોબિક્સ અને બાલાચડીયનો દ્વારા ગૃપમાં ‘વંદે માતરમ’ ગીત રજૂ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાનના હસ્તે વિજેતાઓ ને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સભાને સંબોધતા મુખ્ય અતિથિએ જણાવ્યું હતું કે, રમતગમત એ જીવન નો એક ભાગ હો વો જોઈએ. તેમણે વિજેતાઓ અને સહભાગીઓ ને સાચી ખેલદિલી પ્રદર્શિત કરવાબદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચાર દિવસની આ મેગા ઈવેન્ટ દરમિયાન તમામ સહભાગીઓએ સ્પર્ધાત્મક ભાવના અને સાચી ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. તેણે સહભાગી સ્ટાફ અને કેડેટ્સ ને તેમના વિચારો, જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ વ્યવહારો એકબીજા સાથે શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
સ્કૂલ સ્પોર્ટ્સ કેડેટ કેપ્ટન કેડેટ અખિલ પ્રતાપ સિંહ દ્વારા પ્રસ્તાવિત આભારના મત સાથે સમારોહનો અંત આવ્યો.
યોગેશ ઝાલા – જામનગર