ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ – સહાય જૂથો, સખીમંડળો, મહિલા ગ્રામ સંગઠનોને રૂ.36 લાખની રકમની સહાય તેમજ આયુષ્માન કાર્ડના મહિલા લાભાર્થીઓને લાભાન્વિત કરાયા*
વિવિધ યોજનાઓના લાભો થકી જામનગર જિલ્લાની મહિલાઓ આત્મનિભર અને સશક્ત બની ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે : કૃષિમંત્રી શ્રી
જામનગર તા.૧૭ સપ્ટેમ્બર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહૉલ ખાતે સરકારે ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિક્સની ઉજવણી અંતર્ગત “ વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડના લભાર્થીઓને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી ત્રણ ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ કુલ રૂ.૨૨ લાખ ૫૦ હજારની રકમના ચેક, બે સખી મંડળોને રૂ.૬ લાખની કેશ ક્રેડિટ લોન તેમજ સ્વ સહાય જૂથો ને કુલ રૂ.૧૧ લાખની રકમની ટર્મ લોન તેમજ આયુષ્માન કાર્ડના ૫ મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વ સહાય જૂથો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બાદમાં મંત્રીશ્રીએ જામનગર મહાનગર પાલિકા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓના લાભો થકી જામનગર જિલ્લાની મહિલાઓ આત્મનિભર અને સશક્ત બની ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર મહિલાઓની સલામતી, સુરક્ષા, આત્મનિર્ભરતા અને ઉત્કર્ષ માટે કાર્યશીલ છે. ગુજરાતની મહિલાઓનો વિકાસ થાય અને પગભર બને તે હેતુથી સખી મંડળો ચલાવવામાં આવી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના થકી ૨૨૦૦૦ સ્વ સહાય જૂથોની ૨લાખ ૨૦ હજાર મહિલાઓને ૩૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ છેવડાના ગામડાંની મહિલાને પણ મળી રહ્યો છે. અને જન જન સુધી સરકારી સેવાઓ અને લાભો લોકોને મળી રહ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર શ્રી એન.એફ.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડી. એસ.મકવાણા , તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.