આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર બી.એસ.એફ દ્વારા તા. ૨ જી ઓક્ટોબરથી પંજાબના અટીરાથી નેશનલ ઇન્ટિગ્રેશન મોટર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે જલંધર, અબોહર, બિકાનેર, જયપુર, જોધપુર, ઉદયપુર, પિંડવાડા, માઉન્ટ આબુ, ગાંધીનગર થઈ આગામી તા. ૧૧ ઓક્ટોબર ના રોજ ૨૧૬૮ કિમીની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.
૧૨૩ બી.એસ.એફ બટાલિયનની મોટર સાયકલ રેલી પાલનપુર ખાતે આવી પહોંચતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સારસ્વત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉપાસના વિદ્યાલય, પાલનપુર ખાતે બી.એસ.એફ જવાનોનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ રેલી માં ૩૪ જાંબાઝ જવાનો અને ૧૫ સીમા ભવાની મહિલા બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે બી.એસ.એફ કમાન્ડર અજિતકુમારે બાઇક રેલીમાં ભાગ લઈ રહેલા તમામ જવાનોને યાત્રાની શુભેચ્છા પાઠવી બી.એસ.એફની સ્થાપના, બી.એસ.એફ ના સીમાચિહ્નન રૂપ સાહસો, અને કામગીરીની આછેરી ઝલક આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બી.એસ.એફ.ની જાંબાઝ ટીમના પ્રદર્શનને નિહાળી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેના સાહસ અને કરતબને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે બી.એસ.એફ.ની જાંબાઝ ટીમના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ૧૨ રેકોર્ડ નોંધાયેલા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઇ ચૌધરીએ બાઇક સવાર બી.એસ.એફના જવાનોનું બનાસની પુણ્યભૂમિ પર સ્વાગત છે એમ જણાવી જવાનોના સ્વાગતનો શુભ અવસર પ્રાપ્ત થવા બદલ ધન્યતા અનુભવી બી.એસ.એફ અને ભારતીય સેનાના લીધે દેશવાસીઓ નિશ્ચિંત અને સુરક્ષિત છે એમ જણાવી જવાનોની બહાદુરી અને દેશદાઝને સલામી આપી બાઈકરેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૧૨૩ બી.એસ.એફ બટાલિયન કમાન્ડર શ્રી રાજશેખર, ડે. કમાન્ડરશ્રી દયાલસિંહ, ડી.વાય.એસ.પીશ્રી જીજ્ઞેશકુમાર ગામીત, મુનિશ્રી વિજયસુરીશ્રી મહારાજ, શાળાના ટ્રસ્ટીશ્રી યોગીનભાઈ બ્રહ્મભટ્ટ, સતીષભાઈ સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.